| 1 |
[ સં. મહિષી-મહિસી-મઈસી-મ્હઈશી-ભેંશ-ભેંસ ] |
स्त्री. |
આછા કાળા રંગનું એક ચોપગું પશુ; ડોબું; મહિષી; દૂધ દેનારૂં એક ઢોર. દૂધ ઘી માટે એને પાળવામાં આવે છે. એનો નર પાડો અને બચ્ચું પાડું કહેવાય છે. ભેંસની ગર્ભવાસની મુદ્દત ૩૧૦ દિવસની હોય છે. એમ પણ કહેવાય છે કે, ભેંસ અરબી બહ્સનો અપભ્રંશ છે ભેંસની જાતો: (૧) સુરતી ( ગુજરાત ), (૨) જાફરાબાદી ( સૌરાષ્ટ્ર ), (૩) મહેસાણી ( ગુજરાત ), (૪) મુરાહ ( દિલ્હી ), (૫) ઇલીચપુરી ( નાગપુર ), (૬) દેશાણ ( કાઠિયાવાડ ), (૭) સિંધાણ ( સિંધ ), (૮) નાગલી ( ગુજરાત ), (૯) ગુજર ( ગુજરાત ). ભેંસની જાત લોકસાહિત્યમાં નીચે મુજબ કહી છેઃ
ગણાં નામ કૂંઢી તણાં નાગલું, ગોટક્યું, નેત્રમું નાનકયું, શીંગ નમણાં. ગીણલું, ભૂતડું, ભોજ છોગાળિયું, બીનડું, હાથણી ગજાં બમણાં, ભીલિયું, ખાવડયું, બોધડું, ભૂરિયું, પૂતળું,ઢીંગલું, નામ પ્રાજર ભગરિયું, વેગડ્યું, વાલમ્યું, ભાલમ્યું, રાણ ખાડું તણા જાણ રાજા. દાડમું, મીણલું, હોડકું, દડકલું, ગેલિયું, મૂંગલું, રૂપ ગણીએ. સાંઢિયું, બાપલ્યું, ધ્રાખ ને સાકરૂં, પાડ ગાડદ તણા કેમ ગણીએ.
રૂઢિપ્રયોગ
૧. અકક્લ બડી કે ભેંસ ? = બળ કરતાં બુદ્ધિ ચડે.
૨. કોઇની ભેંસ ને કોઇ ખંજોળે = અયોગ્ય સંબંધ હોવો.
૩. નવચાંદરી ભેંસ = નવ ધોળાં ચિહ્નવાળી ભેંસ; ચાર પગ, પૂછડાનો છેડો, એક આંચળ, લલાટમાં ટીલું, એક આંખ અને મોં ધોળાં હોય એવી ભેંસ.
૪. નવચાંદરી ભેંસ ને હેઠે પાડી = દરેક રીતે સરખું હોવું તે; બધી રીતે સુખસગવડવાળું હોવાપણું.
૫. ભમરી ભેંસ જેવો-ભેંસનો ભાઈ = સાવ મૂર્ખ; પાડા જેવો; ગમાર; અક્કલ વગરનો.
૬. ભેંસ આગળ ભાગવત = (૧) અંધા આગળ આરસી; નકામી શિખામણ; મૂર્ખને શિખામણ. (૨) ન સમજે તેવાની પાસે જ્ઞાનની કે પંડિતાઈભરી વાતો કરવી. એક પંડિત ભાગવત વાંચતા હતા. તે સાંભળવા માટે એક દિવસ એક વૃદ્ધ ડોશીમા આવ્યાં. પંડિતજીની વાણી સંભળીને ડોશીમાની આંખોમાંથી આંસુ ચાલ્યાં. પંડિતજીને લાગ્યું કે, ઊંડી સજને લીધે ભાવપૂર્વક સાંભળવાથી ડોશીમા રડી પડે છે. તેથી કથા પરી થતાં, શાસ્ત્રીજીએ ડોશીમાને કહ્યું કે, ભાગવતનો ભાવ સમજવામાં તો તમારા જેટલી અસર કોઇને થઇ નથી. જવાબમાં ડોશીમાએ કહ્યું કે; મારે એક પાડી હતી, તે પણ બિચારી આમ જ બરાડા પાડી પાડીને મરી ગઈ. તમને પણ એવો રોગ થઈ ગયો જણાય છે. તે જોઈ મને રડવું આવે છે. આ ઉપરથી કહેવાયું કે ભેંસ આગળ ભાગવત.
૭. ભેંસ કાળી ને બકરી યે કાળી = બધાં સરખાં હોવાં.
૮. ભેંસ કૂદે ખીલા વળૂંદી = ભેંસ કૂદે તે ખીલાને જોરે; પાછળ કોઇનો આધાર કે હાથ હોવો.
૯. ભેંસ થઇ જવી = ભેંસને ગર્ભ રહી જવો.
૧૦. ભેંસ પહેલાં ખૂંટા-ભેંસ ભાગોળે ને ઘેર ઝૈડકા = શેખચલ્લીના વિચારો; શેખચલ્લીવેડા જેવી ખોટી ધમાલ. કોઇ એક કુટુંબમાં ભેંસ લેવાની વાત થઈ. એટલે ઘરવાળીએ કહ્યું કે, તો તો દૂધ, છાશ, ઘીનું ભારે સુખ થઈ જાય અને છાશ મારા ભાઈને ઘેર પણ અપાય. ધણીએ છાશ આપવા ના પાડી. આથી બંને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો વધતાં ગામના કોઇ ડાહ્યા માણસે તેનો ઉપાય શોધી કાઢ્યો અને તેને ઘેર આવીને કહ્યું કે, તમારી ભેંસે મારી વંડી ખોદી નાખી. આ સાંભળી પેલા ઘરવાળાએ જવાબ આપ્યો કે ભાઈ, ભેંસ જ કોને છે ? પેલા ડાહ્યા માણસે કહ્યું કે, તો પછી આ ઝઘડા શેના છે ? બંને માણસો સમજી ગયાં ને ઝઘડાનો અંત આવ્યો. આ ઉપરથી આ કહેવત નીકળી.
૧૧. ભેંસ પાડે આવવી = ભેંસ ઋતુમતી થવી. મશ્કરીમાં છિનાળ સ્ત્રી માટે વપરાય છે.
૧૨. ભેંસ પાણીમાં ને સાટું બજારમાં-બારણે = અયોગ્ય ઉતાવળ.
૧૩. ભેંસ ફાલી જવી = ભેંસને ગર્ભ રહી જવો.
૧૪. ભેંસ ભડકામણું = બિહામણું; બેડોળ.
૧૫. ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ = શેખચલ્લીવેડા જેવી ખોટી ધમાલ.
૧૬. ભેંસ ભાગોળે ને સાટું બજારમાં = શેખચલ્લીના વિચાર.
૧૭. ભેંસ ભાંગવી = ભેંસ સાથે પાડાનો સંયોગ થવો.
૧૮. ભેંસનાં બકરી હેઠ અને બકરીનાં ભેંસ હેઠ કરવાં = આડાંઅવળાં કરવાં.
૧૯. ભેંસનાં શીંગડાં ભેંસને ભારે ન પડે = પોતાનો ભાર પોતાને ભારે ન પડે; પોતાની ભૂલ પોતાને ન જણાય.
૨૦. ભેંસો છોડીને ખીલાનાં દાન કરવાં = એરણની ચોરી ને સોયનાં દાન કરવાં.
૨૧. મૂઈ ભેંસના મોટા ડોળા = ભૂતકાળમાં રાચવું.
૨૨. મૂઈ ભેંસનું ઘી ઘણું = જીવતા લાખના મુવે સવા લાખના.
|