1 |
[ ફા. બાગ્યા ] |
पुं. |
બાગ; વાડી; આરામ; ઉપવન. ગૃહવિધાનમાં જણાવ્યું છે કે: દૈનિક હાજત માટે તેમ જ નાહવા ધોવા માટે હરહમેશ ગામ બહાર જવાનો ચાલ બંધ થયો, ત્યારથી કુદરત સાથેનો સંપર્ક ઘટી ગયો. તુલસીક્યારા ગયા, તેમ તુલસીકૂંડાં પણ ગયાં અને શહેરીઓએ આંગણાંની લીલોતરીને છેલ્લી તિલાંજલિ આપી. શિલ્પશાસ્ત્રીઓના વખતથી તે છેક મુઘલાઈ સુધી એવી પ્રથા ચાલી આવેલી કે મકાન અને બગીચો એ અવિભાજ્ય બાંધકામ છે. જેમ મકાનને રેતી, ચૂનો, પથ્થર વગેરે જોઈએ તેમ રોપા, બી વગેરે પણ જોઈએ. મકાનના તળ તથા દર્શન બંનેની સાથે તેનાં બગીચાનો વિચાર થતો. ઉષ્ણ કે અર્ધ ઉષ્ણ દેશોમાં બગીચો એ જ ખરી રહેણાક બની રહે છે. તેની તે મુજબની વ્યવસ્થા હોવી જોઈએ. આંગણાની લીલોતરી બાળકોના જીવનધોધને ભર્યો ભર્યો બનાવી દે છે. ફૂટતું કૂંપળિયું, બેસતી કળી કે ઊઘડતું ફૂલ તેનાં દરેક પગથિયે આનંદની ખંજરી બજાવે છે, તેવો અનુભવ ઘણાને થયો હશે. રોપે રોપે અને ફૂલે ફૂલે નવીનતા ધરતા તેમ જ પાંદડે પાંદડે ખીલતા રંગો તેની પ્રગતિમાં બાલકો અને નિરીક્ષકોને મંત્રમુગ્ધ બનાવે છે. બગીચાની ફક્ત હાજરી જ રહેનારના માનસ ઉપર પ્રફુલ્લતા અને શરીર ઉપર આરોગ્ય વરસાવે છે. આ મૂંગી અસર ઉપરાંત તેના બીજા ફાયદા ઘણા છે. રહેનાર તથા તેનું કુટુંબ જાતે બાગવાન બને તો જ્ઞાન, ગમ્મત અને કસરત બધું સાથે મેળવે. ઉનાળાની ગરમી મકાનની અંદર પણ હળવી થાય, સવાર સાંજ સુંદર બેઠક સાંપડે અને ઘરમાં સંકડાશ હોય તો તે નિવારી શકાય. પ્રભુની પૂજા, બાળકોના આનંદ, સ્ત્રીવર્ગનાં આભૂષણ, ફૂલદાનીના શણગાર તેમ જ ઘરમાં પમરાટ માટે ઋતુએ ઋતુનાં જાતજાતનાં ફૂલ મળી શકે. જો ફળાઉ ઝાડ વાવ્યાં હોય તો મીઠાં ફળ ખવાય અને શાકભાજીના વાવેતરથી તાજાં શાક મળે. પશ્ચિમના દેશોમાં જેમ કિચન ગાર્ડન ઘરનું એક આવશ્યક અંગ બની રહેલ છે, એ જ પ્રમાણે હિંદમાં થવું જોઈએ. ઠંડા દેશોમાં લીલોતરી સાચવવી એ કઠણ કામ છે. જ્યારે ગરમ દેશમાં તે સહેલું છે. લીલોતીર જીવસત્ત્વોથી ભરપૂર છે અને તે ખૂબ પ્રમાણમાં લેવી જોઈએ એમ વિજ્ઞાને સાબિત કર્યું છે. રાષ્ટ્રીય આરોગ્યના ધુરંધરો પણ જોરશોરથી તે માટે આગ્રહ પોકારે છે. ગામડાના લોકો કાચાં શાક ઘણાં ખાય છે, કારણ કે તેને તે રોપ કે વેલા ઉપરથી જ મળી શકે છે, એ જ પ્રમાણે નગરવિધાનના બગીચામાં પણ થવું જોઈએ. શાકના ક્યારાની એક બીજી સગવડ એ છે કે, તે ઘર વપરાશનું પાણી સારી રીતે સાચવી લે છે, જેથી વપરાશના પાણીના નિકાસની મુશ્કેલી જે સાધારણ રીતે અગવડભરી હોય છે તે અહીં સગવડવાળી થવા ઉપરાંત તાજાં શાક આપવામાં ઉપયોગી થાય છે. આંગણાના બગીચાની આવી ઉપકારકતા વ્યાપક હોવા છતાં તેનો પ્રચાર જોઈએ તેવો થતો નથી તે શોચનીય છે. ઝાડ જેમ સૂઝે તેમ વગર વિચાર્યે વાવી દેવામાં આવે તો પાછળથી કાઢવાનો વખત આવે. દાખલા તરીકે, વૃક્ષ મકાનની બહુ નજીકમાં વાવી દીધું હોય તો તે મોટું થયે હવાપ્રકાશ રોકે અને વખતે પાયાને પણ હરકત પહોંચાડે. વૃક્ષો ક્યાં વાવવાં અને ક્યાં ન વાવવાં,રોપા ક્યા ઇષ્ટ અને ક્યા અનિષ્ટ, ક્યાં શાકભાજી આંગણામાં હોઈ શકે વગેરે સંબંધમાં શિલ્પગ્રંથો બહુ વિગત આપે છે. બગીચોએ નગરવિધાનનું સામર્થ્ય છે. ઉદ્યાનસ્થાપન અને ગૃહસ્થાપત્ય બંને એકબીજાને પ્રેરક, ઉપકારક અને સંકારક તત્ત્વો છે. ઉદ્યાની ગૃહ એ ગૃહધારીની મગરૂબી છે, કુટુંબનો મોભો છે, બાલકોનું જીવસત્ત્વ છે અને સ્વમાનનુ સંરક્ષણ છે.
|