| 20 |
[ સં. નાસિકા ] |
न. |
શ્વાસ લેવાનો ચહેરા ઉપરનો ઊંચો અને બે કાણાંવાળો અવયવ; ચહેરા ઉપરનું બે આંખો અને મોં વચ્ચેનું બે કાણાંવાળું ટીચકું; નાસિકા; ઘ્રાણેંદ્રિય; સૂંઘવાની ઇંદ્રિય; ઘ્રાણ. મનુષ્યને એ અવયવ ચહેરાની વચ્ચોવચ અને જનાવરમાં માથાને છેડે હોય છે. નાકના મૂળમાં દરેક બાજુએ એક એક હાડકું આવેલું છે. તે બે ઊર્ધ્વહન્વસ્થિઓની વચ્ચે રહેલાં હોઈ, મધ્યરેખામાં પરસ્પર મળી જઈ નાકનો મૂળ ભાગ રચે છે. નાકમાં થઈ વાયુ અંદર જાય છે. વાયુમાં ગંધવાળા અણુ રહે છે. નાકના અસ્તરની ચામડીનો ઉપલો ભાગ જ ગંધવાહક હોય છે, નીચલો નહિ. નીચે સુધી સંવેદનસૂત્ર હોતું નથી. નાસારંધ્રનો મુખવિવર, કપાલઘટ વગેરે સાથે સંબંધ હોવાથી નાકથી સ્વર અને સ્વાદનું થોડુંઘણું સાધન થાય છે અને કપાળના અંદરના કોશોમાં એકઠો થયેલ મેલ તથા આંખનાં આંસુ પણ નાકેથી નીકળે છે. જીવવિજ્ઞાનીઓ કહે છે કે, ઊપસેલું નાક મનુષ્યની ઉન્નતિનું ચિહ્ન છે. હબશી વગેરે અસભ્ય જાતિઓનું નાક બહુ ચપટું હોય છે. નાકના ૩૬ રોગ મનાય છેઃ (૧) પીનસ, (૨) પૂતિનસ્ય, (૩) પૂયરક્ત, (૪) ક્ષવથુ, (૫) ભ્રંશથુ, (૬) દીપ્ત, (૭) પ્રતિનાહ, (૮) નાસાસ્ત્રાવ, (૯) નાસાશોષ, (૧૦) નાસાપાક, (૧૧-૧૫) વાત, પિત્ત, કફ, સન્નિપાત અને રક્તજ એમ પાંચ પ્રકારના પ્રતિસ્યાય, (૧૬-૨૨) સાત પ્રકારના અર્બુદ, (૨૩-૨૬) ચાર પ્રકારના સોજા, (૨૭-૩૧) પાંચ પ્રકારના અર્શ અને ( ૩૨ – ૩૬ ) પાંચ પ્રકારના રક્તપિત્ત. કોઈ કોઈના મતથી પીનસના રોગને નાકનું છોડ કહે છે. વળી નાકનાં બીજાં પણ ઘણા પ્રકારનાં દરદ થાય છે. જેવાં કે, વાસ પારખવાની શક્તિનો નાશ, ખરાબ વાસ, નાકનું પાકવું, પરૂ વહેવું, બળતરા, શ્વાસનો અવરોધ, મસા, નસકોરી ફૂટવી, પીનસ વગેરે. મગજનો ઉપાય કરવાથી નાકનાં દરદ મટે છે. નાકમાં કીડા પડે, ત્યારે લીંબડાની લીંબોળીનું તેલ નાકમાં નખાય છે અથવા પાંચ રૂપિયાભાર ગરમ પાણીમાં ટરપેન્ટાઇન બે ડ્રામ મેળવી પિચકારી અપાય છે અથવા ટરપેન્ટાઇન તથા કપૂર એકત્ર મેળવી તેમાં રૂ બોળી પૂમડું નાકમાં રખાય કે સૂંઘાય છે.
રૂઢિપ્રયોગ
૧. નાક આવવું-વહેવું = નાકમાંથી શેડા નીકળવા; નાકે લીંટ આવવું.
૨. નાક ઉપર આંગળી મૂકવી = ચૂપ રહેવાનું કહેવું.
૩. નાક ઉપર આંગળી રાખીને વાત કરવી = બાયલા થવું; બાઇડી માફક વાત કરવી.
૪. નાક ઉપર ગુસ્સો-મિજાજ હોવો = બહુ જ ગુસ્સે થવું; વાત વાતમાં ગુસ્સે થવું.
૫. નાક ઉપર ટકો રાખી દેવો = તરત જ પૈસા આપવા.
૬. નાક ઉપર પૈડું ફરી જવું = નાક ચપટું હોવું; નાક ચીબું હોવું; નાકની દાંડી બેસી ગયેલ જણાવી.
૭. નાક ઉપર માખ બેસે તો નાક કાપી નાખે એવું = (૧) આબરૂ રાખવાનો પ્રયત્ન કરનારૂં. (૨) ઘણા જ કડક અને `ચીડિયા સ્વભાવનું.
૮. નાક ઉપર માખી બેસવા ન દેવી = (૧) કોઈનું જરાં પણ અહેસાન માથે ન ચડાવવું. (૨) જરા પણ લાંછન જેવી વાત ન કરવી; આબરૂ રાખવાનો પ્રયત્ન કરવો. (૩) બહુ આકરો સ્વભાવ હોવો; થોડો પણ દોષ કે ત્રુટી સહન ન કરવાં. (૪) બહુ સાફ રહેવું; જરા પણ ડાઘ લાગવા ન દેવો.
૯. નાક ઉપર લીંબુ ઘસવું = હંફાવવું; પ્રતિપક્ષીને હરીફાઈમાં જીતવું.
૧૦. નાક કટ્ટા તો કટ્ટા પણ ખીર-ઘી તો ચટ્ટા = આબરૂને નુકસાન પહોંચે તોપણ સ્વાદિષ્ટ ચીજનો સ્વાદ લેવો.
૧૧. નાક કપાવવું = આબરૂ ખોવી.
૧૨. નાક કપાવું = બેઇજ્જત થવું; શોભા કે આબરૂ જવી.
૧૩. નાક કાન કાપવાં = (૧) આકરી શિક્ષા કરવી. (૨) કલંક લગાડવું; બેઇજ્જત કરવું.
૧૪. નાક કાપવું = (૧) ઇજ્જત બગાડવી; પ્રતિષ્ઠા નષ્ટ કરવી. (૨) ઠપકો આપવો.
૧૫. નાક કાપી ચૂતડો તળે રાખી લેવું = લોકલજ્જા ધ્યાન છોડી લજ્જાજનક કાર્ય કરવું.
૧૬. નાક કાપે એવું = બૂઠું; ધાર વિનાનું. ચપ્પુ, છરી અથવા એવા બીજા કોઇ ધાર વગરના હથિયારને માટે વપરાય છે.
૧૭. નાક ખોસવું = માથું મારવું; વચ્ચે દખલગીરી કરવી; ઘોંચપરોણો કરવો.
૧૮. નાક ઘસવું-રગડવું = (૧) ધૂળ ચાટવી; પૂર્ણ તાબે થવું. (૨) નમી જવું. (૩) પસ્તાવો બતાવવો; માફી માગવી. (૪) બહુ જ નમ્રતાથી આજીજી કરવી; બહુ વિનતિ કરવી.
૧૯. નાક ચડવું = ક્રોધ આવવો; તોબરો આવવો.
૨૦. નાક ચડાવવું = (૧) અણગમો બતાવવો. (૨) ગુસ્સો દેખાડવો. (૩) ધિક્કારવું. (૪) નાક ઊંચું કરવું.
૨૧. નાક ચૂવું = (૧) દારૂ પીવાની તલબ લાગવી; દારૂની હાજત થવી. (૨) નાકમાંથી પાણી ટપકવું.
૨૨. નાક ચોટી કાપવાં = આકરી શિક્ષા કરવી.
૨૩. નાક ચોટી કાપી હાથમાં દેવાં = (૧) આકરી શિક્ષા કરવી. (૨) દુર્દશા કરવી; અપમાન કરવું.
૨૪. નાક ચોટી ગિકફતાર થવી = મોટી મુશ્કેલીમાં આવવું.
૨૫. નાક છંટે નાખવું = તિરસ્કાર કરવો; હલકું પાડવું.
૨૬. નાક છીંકવું = જોરથી હવા કાઢી નાકનો મેલ બહાર કાઢવો.
૨૭. નાક તક ખાવું = બહુ અધિક ખાવું.
૨૮. નાક તો વેંતનું છે = આબરૂ તો ઘણી છે. મરડમાં બોલતાં વપરાય છે.
૨૯. નાક દાબવું = અણગમો બતાવવો. ઝાઝાં માણસોની રસોઈમાં જેવો મળે એવો ખોરાક નાક દાબ્યા વિના ખાઇ લેવો ને પ્રસન્નચિત્ત રહેવું – પ્રભુદાસ ગાંધી.
૩૦. નાક દાબીએ તો મોં ઊઘડે = કોઈ પાસેથી અમુક કામ કરાવવું હોય ત્યારે સીધું ન થાય તેમ હોય તો તેને અસર કરે તેવી યુક્તિ લડાવવી.
૩૧. નાક નછોડવું = નાક સાફ કરવું.
૩૨. નાક નમાવવું = નમી જવું.
૩૩. નાક નીચું ને પેટુ ઊંચું = બીજાની ખુશામદ કરી તેની કમાણી ઉપર જ નિર્વાહ ચલાવવો. બીજાની ખુશામદ કરી તેની કમાણી ઉપર જ નિર્વાહ ચલાવનાર હોય એવા માણસને વિષે બોલતાં વપરાય છે.
૩૪. નાક ફાટે એવું = અસહ્ય દુર્ગંધવાળું.
૩૫. નાખ ફાડી નાખે એવું = નાક સહન ન કરી શકે એવી દુર્ગંધવાળું.
૩૬. નાક બે આંગળ ભરીને કાપવું = (૧) આબરૂ ઓછી કરવી. (૨) શોભા ઘટાડવી.
૩૭. નાક બેસવું = ચીબું થવું.
૩૮. નાક મારવું = ધૃણા પ્રકટ કરવી; તિરસ્કાર બતાવવો.
૩૯. નાક વીંધવું = ચૂની, નથ વગેરે પહેરવા માટે નાકમાં છેદ પાડવો.
૪૦. નાક સામી વાટ = સીધો માર્ગ; ધોરી રસ્તો; ઊભો માર્ગ.
૪૧. નાક સુધી આવવું = બહુ જ કંટાળો આવવો.
૪૨. નાકની દાંડી = નાકના બહારથી ઉપલા ભાગની પટ્ટી.
૪૩. નાકની દાંડી આગળ = નજર સમક્ષ; નજર આગળ.
૪૪. નાકની દાંડી સામે આંખો રાખવી = સીધે રસ્તે ચાલવુ; આડીઅવળી વાસના રાખ્યા વિના પ્રામાણિક બનવું.
૪૫. નાકની દાંડી સામે જવું-નાકની દાંડીએ ચાલ્યા જવું = સીધેસીધું જવું; સીધા ને સીધા ચાલ્યા જવું.
૪૬. નાકની વાટે દાણો ન ગળાય = શક્તિ કરતાં વધારે કામ ન થઈ શકે; શક્તિના પ્રમાણમાં માણસ કરી શકે.
૪૭. નાકનો બાલ-મોવાળો-વાળ = (૧) અમૂલ્ય માણસ. (૨) જેની બીજા ઉપર લાગવગ હોય એવો માણસ; મોટા માણસ પાસે જેનું ચલણ હોય એવો નાનો માણસ. (૩) પ્રિય માણસ; ગાઢ મિત્ર; વિશ્વાસપાત્ર પુરુષ.
૪૮. નાકનો મસો = નાકનો એક જાતનો રોગ; `પોલિપસ.` ટેનિક એસિડની ભૂકી સૂંઘવાથી તે મટે એમ મનાય છે. ધુમાડાની મેશ, પીપર, દેવદાર, દૂધ, કરંજ, સિંધાલૂણ અને અઘેડાનાં બીજમાં પકવેલ તેલ નાકમાં નાખવાથી આ રોગ મટી જતો મનાય છે.
૪૯. નાકનો વાંસો = નાકના બે ફણગા વચ્ચેનો પડદો.
૫૦. નાકમાં ઊંટ પેસવો = બહુ ગર્વ હોવો.
૫૧. નાકમાં ગંધ ન માવી = બહુ અભિમાન હોવું; અતિશય ગર્વિષ્ઠ બનવું.
૫૨. નાકમાં તીર ઘાલવું-નાખવું = (૧) નાથવું; બરજોરીથી વશ કરવું. (૨) બહુ સતાવવું; હેરાન કરવું.
૫૩. નાકમાં દમ આવવો = હેરાન થવું.
૫૪. નાકમાં દમ કરવો-લેવો = ખીજવવું.
૫૫. નાકમાં-નાકમાંથી બોલવું = ગૂંગણું બોલવું; નાકમાંથી અવાજ કાઢીને બોલતું.
૫૬. નાકે ચણા ચૂંટવા = હેરાન પરેશાન થવું.
૫૭. નાકે ચણા ચૂંટાવવા = ખૂબ ત્રાસ આપવો; ઘણી સખતાઈ કરવી.
૫૮. નાકે છરી મૂકવી = આબરૂ જાય તેમ કરવું.
૫૯. નાકે દમ આણવો = વાંસે લાગવું; પતર ખાંડવી.
૬૦. નાકે મોતી આવવાં = લીંટ આવવું. નાના બાળકને માટે વપરાય છે.
૬૧. નાકે લીટી તાણવી = સ્વામાનહીન બની કહે તેમ કરવું.
૬૨. મણનું માથું જજો પણ નવટાંકનું નાક ન જજો = બીજું ગમે તેટલું નુકસાન થાય પણઆબરૂ સાચવી રાખવી.
|