| 10 |
|
न. |
ધર્મબુદ્ધિથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ અથવા ગરીબને મફત આપી દેવી તે; પુણ્યાર્થે આપવું તે; દયાભાવથી આપવું તે; ન્યાયપૂર્વક પોતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું તે. યાસ્કાચાર્યે આ સંબંધમાં કહ્યું છે કેઃ કોઈ પણ વસ્તુ ઉપરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવી તેને દાન કહે છે. જેનામાં દાન કરવાનો ગુણ છે તેવા ઈશ્વર, વિદ્વાન અને મનુષ્યની સંજ્ઞા દેવતા છે. પોતાનું કર્તવ્ય સમજીને દેશ, કાળ અને પાત્રનો વિચાર કરી નિષ્કામભાવે અન્ન, વિદ્યા, વસ્ત્ર, દવા વગેરે આપવાં તે જ ખરૂં દાન છે. યોગકૌસ્તુભમાં લખ્યું છે કે, ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શક્તિ પ્રમાણે યોગ્ય ધનને વિધિપૂર્વક શ્રદ્ધા વડે સત્પાત્રને આપવું તે દાન કહેવાય છે. દાન વિષે કઠોપનિષદમાં એવું વિધાન છે કે, દાનમાં આપવાની વસ્તુ તો સર્વોત્તમ હોવી જોઈએ. પીતોદક, જગ્ધતૃણ, દુગ્ધદોહ અને નિરિંદ્રિય ગાયો દાનમાં દેનાર સુખશૂન્ય લોકમાં પરવરે છે. ગીતામાં દાનના ત્રણ પ્રકાર એમ કહ્યા છે કેઃ
દેવાયે સ્થળ પાત્ર યોગ્ય સમયે કર્તવ્ય દેવું ગણી, જે જે દાન અનુપકારી જનને સાત્ત્વિક તે કહે સ્મૃતિ. ને જે પ્રત્યુપકાર કાજ ફલને ઉદ્દેશીને કાં વળી, દેવાયે અતિ કલેશથી ય કહ્યું છે તે દાનને રાજસી. જે જે દાન અયોગ્ય કાલ સ્થળમાં દેવાય કુપાત્રને, તિરસ્કારી અને અનાદરથી જે તે તામસી દાન છે. એક મત પ્રમાણે દાનના સોળ પ્રકાર છેઃ બ્રહ્માંડ, વિશ્વચક્ર, ઘાટ, મહાભૂતક, રત્નેદેણુ, સાતબોધિ, કલ્પવૃક્ષ, કાંચનકામધેનુ, સ્વર્ણાક્ષ્મા, હિરણ્યસ્વરત્ન, તુલાપુરુષ, ગોસહસ્ત્ર, હેમાસન, હેમગર્ભ, કંકરત્ન અને પંચથંગલી. દાનના સામાન્ય પ્રકાર નીચે મુજબ છેઃ જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચારદાન, કીર્તિદાન, ધર્મદાન, અહિંસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, પ્રાણદાન, વિવાહદાન અને અભયદાન. સ્મૃતિઓમાં દાનના સંબંધમાં અનેક બાબતોનો વિચાર કરેલો છે. સૌથી વધારે જોર દાન ગ્રહણ કરવાની પાત્રતા ઉપર કરવામાં આવ્યું છે. દાનને પાત્ર બ્રાહ્મણ કહેલ છે. બ્રાહ્મણોમાં વેદપાઠી, વેદપાઠીઓમાં વેદોક્ત કર્મ કરનારો અને તેમાં પણ શમ દમ વગેરે ગુણયુક્ત આત્મજ્ઞાની શ્રેષ્ઠ છે. દાનનો વિશેષ વિધાન યજ્ઞ, શ્રાદ્ધ વગેરે કર્મો પછી છે. આ પ્રકારનું દાન આંધળાં, લૂલાં, લંગડાં, મૂંગાં વગેરે વિકલ અંગવાળાંઓને દેવોનો નિષેધ છે. દાન માટે દાતાને શ્રદ્ધા હોવી જોઈએ અને તેણે દાન લેનાર પાસેથી કોઈ પ્રયોજનની સિદ્ધિની અપેક્ષા ન રાખવી જોઈએ. શુદ્ધિતત્ત્વમાં દાનનાં છ અંગ બતાવ્યાં છેઃ દાતા, પતિગ્રહીતા, શ્રદ્ધા, ધર્મ, દેશ અને કાળ. આ છ અંગ અનુસાર દાનની ઉત્તમતા કે નિકૃષ્ટતાનો વિચાર થાય છે, એટલે કે દાતાના વિચારથી, જેમકે, કુલટા વગેરેએ આપેલું; લેનારના વિચારથી. જેમકે, પતિત બ્રાહ્મણને આપેલું; શ્રદ્ધાના વિચારથી, જેમકે, તિરસ્કારપૂર્વક આપેલું; દેશના વિચારથી, જેમકે, ગંગાતટ ઉપર આપેલું અને કાળના વિચારથી, જેમકે, ગ્રહણને સમયે આપેલું. આ સિવાય દ્રવ્યનો પણ વિચાર કરેલો છે કે જે ધન દાનમાં આપવામાં આવે તે કેવું હોવું જોઈએ. દેવલે લખ્યું છે કે, જે ધન બીજાને પીડા કરીને પ્રાપ્ત કરેલું ન હોય, પોતાના પરિશ્રમથી મેળવેલું હોય તે દાન દેવાને યોગ્ય છે. જે પ્રકારે દાનનું ફળ કહ્યું છે તે પ્રમાણે દાનના ત્યાગનું ફળ પણ કહેલું છે. યાજ્ઞવલ્ક્યસ્મૃતિમાં લખ્યું છે કે, જે પ્રતિગ્રહને સમર્થ એટલે કે દાન લેવાને યોગ્ય હોય છતાં પણ દાન ન લે તેને દાનીઓ માટે જે સ્વર્ગ વગેરે લોક છે તે બધા તેને મળે છે. આથી ઘણે સ્થાને બ્રાહ્મણો પ્રતિગ્રહ કદી લેતા નથી. વેદો અને સ્મૃતિઓમાં કહેલા દાન ઉપરાંત ગ્રહોની શાંતિ વગેરે માટે પણ કાંઈ દાન કરવામાં આવે છે, જે લેવું ખરાબ મનાય છે. શનૈશ્વરનું દાન સૌથી વધારે ખરાબ મનાય છે, જેમાં તેલ, લોઢું, કાળા તલ અને કાળું કપડું દેવામાં આવે છે.
રૂઢિપ્રયોગ
૧. દાન આપવું-કરવું = દયા ખાતર અથવા પુણ્ય થાય તે માટે મફત આપી દેવું.
૨. દાન ઉપર દક્ષિણા = (૧) ઉપકારના બદલામાં અપકાર. (૨) ખાતર પાછળ દીવેલ. (૩) દાન આપવું અને તેની ઉપર વળી રોકડ આપવી તે.
૩. દાન લેવાં = વરકન્યાએ અથવા પરણેલાં સ્ત્રીપુરુષે ગુરુ સન્મુખ ભેટ મૂકી તેમની પાસેથી મંત્ર લેવો; દીક્ષા કે બોધ ગ્રહણ કરવો.
|